તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!

તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?

– અનિલ ચાવડા

Share

1.
માર્ગમાં છું,
વરસોથી
તારાપણાના ગઢથી ઊતરી રહ્યો છું.

2.
તમામ જૂનાં સંધાનો
ગોટમોટ વાળીને દડાની જેમ
દૂર-દૂર-દૂર ફેંકી દઉં છું
છતાં તરત દોડીને લઈ આવે છે એને
મારા એકાંતનો શ્વાન
અને મૂકી દે છે મારી અંદર
હતાં એમ ને એમ જ…

3.
સુંદર અને ઇસ્ત્રીટાઇટ મારી ચામડીનું વસ્ત્ર
સાવ મેલુંઘેલું ને ચીમળાયેલું થઈ ગયું
પણ હજીયે
એ પહેરી શકતું નથી મને
માત્ર તને જ પહેરી રાખે છે.

4.
સાવ સિફતથી
સુંવાળા સ્પર્શથી
પંપાળી પંપાળીને
વહાલપૂર્વક કાપી લઉં છું,
છતાં રોજ તારાં સ્મરણો
મારામાં ઊગી જાય છે,
દાઢી પરનાં વાળ જેમ…
હું મૃત્યુ પામ્યો છું
મારા શબ પર
વાળની નાનીનાની અણીઓ ડોકિયા કરી રહી છે.

– અનિલ ચાવડા

Share

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Share

એક સવારે મેં પાંપણ પર ઝાકળબિંદુ ઝીલ્યાં,
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

લઈ ખભા પર રાત આખી આ તારલિયાનો ખેસ,
રાત વાટતી રહી અંધારું અને બનાવી મેશ;
જરાક અમથી મેશ લઈ મેં આંખોમાં આંજી લ્યા!
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

સૂરજ! તેં તો ન્હાવા માટે અજબ કર્યો છે નુસખો,
જળને સ્હેજ હલાવા વિણ તડકાથી માર્યો ભૂસકો;
મારી અંદર હલ્યાં સરોવર, કમળ અચાનક ખીલ્યાં,
સવાર બોલી, ‘કેવું લાગ્યું બોલ હવે અનિલ્યા!’

– અનિલ ચાવડા

Share

બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.

બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.

ખૂબ તરણાં ગોઠવ્યાં માળો થયો નહિ, થાય ક્યાંથી?
જ્યાં સુધી ના લાગણીની લીલીછમ તારી સળી મૂક!

એકઃ હું છું, બેઃ નથી, ત્રણઃ હું છું પણ ને હું નથી પણ;
આ ત્રણેમાંથી ગમે તે એક ઉપર આંગળી મૂક.

આમ લોહીઝાણ એ ના થાય તો એ થાય શું, બોલ?
ખૂબ સમજાવ્યો હતો સૌએ ન શ્રદ્ધા આંધળી મૂક.

આબરુ ખોઈ દીધેલા દીકરીના બાપ જેવું-
એક રણ છું; હે ગગન મારા શિરે તું વાદળી મૂક.

– અનિલ ચાવડા

Share