ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

– અનિલ ચાવડા

Share

એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ,
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ.

રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ.

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ.

જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ.

– અનિલ ચાવડા

Share

મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ,
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી લઈને
વાદળ નામે તાળું,
તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

જળ પર વ્હેતા લીસ્સા લીસ્સા
તરંગ વસ્ત્રો ખેંચી,
કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી,
કૂણી કૂણી કમળ-પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

– અનિલ ચાવડા

Share

એની જેવો એક પણ પડકાર તો ક્યાં કોઇ લે છે?
ઊંઘને પણ છેતરી એ રોજ સપનાં જોઈ લે છે.
આંસુ પર એનાં કદી વિશ્વાસ કરવા જેવું છે નૈં,
એ તો સાલો ડુંગળીઓ કાપીને પણ રોઈ લે છે.

Share

ઘૂંટડા ઘટ ઘટ કરીને રોજ સાંજે સાત પીવું છું,
કોઈ શરબત જેમ હું આખીય મારી જાત પીવું છું.
રોજ સૌની જેમ જીવન નામના આ રોગને હણવા,
એક ચમચી હું દિવસ ને એક ચમચી રાત પીવું છું.

Share