પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને;
હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.

મલક આખોય જેના નામથી ધ્રૂજે છે એ ધ્રુસકે ચડ્યો છે આજ
હજી હમણા જ એ ઝાંપેથી ઘરમાં આવ્યો છે દીકરી વળાવીને.

વગર માગ્યે પડોશી વૃક્ષ મારા આંગણાને છાંયડો દે છે,
તો મારાં ફૂલ પણ આભાર માની લે છે ફોરમ મોકલાવીને.

પછી તો બાળકે કીધું કે મા! એ રોટલી ક્યાં છે; એ ચાંદો છે!
હવે સુવડાવશે મા ભૂખ્યા બાળકને કયું બહાનું બતાવીને?

ખરેખર હું ઘણા દિવસોથી મથતો ’તો, કરી શકતો ન’તો જાતે;
તમે તો કામ બહુ હળવું કરી નાખ્યું ગળું મારું દબાવીને.

~ અનિલ ચાવડા

Share

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા

Share

પ્રિય મિત્રો,
મારાં 3 પુસ્તકો, જેમાં એક પુસ્તક કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે રહીને સંપાદિત કર્યું છે, તેનો લોકાર્પણ સમારોહ પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે આપ સૌ મિત્રોને હાજર રહેવા નિમંત્રણ પાઠવું છું. આપની હાજરીથી મારો આ નાનકડો પ્રસંગ પર્વ બની જશે. આપ પધારશો, મને ખાત્રી છે. આપની પ્રતીક્ષામાં છું.

01

02

03

04

Share

શબ્દના મહારથીઓ સાથે કવિતાનો જલસો માણવા આવો છોને?

ખલીલ ધનતેજવી, રાજેશ વ્યાસ મિસ્કીન, સૌમ્ય જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ, કૃષ્ણ દવે, હિતેન આનંદપરા, દિલીપ શ્રીમાળી
સંચાલન : મુકેશ જોશી

તારીખ ૧૫-૫-૨૦૧૨
ટાઉન હોલ, આશ્રમ રોડ, અમદાવાદ
સમય : રાત્રે ૯-૩૦ વાગે

૧૧-૫-૨૦૧૧ થી ટાઉન હોલ પરથી ટિકિટ મળી રહેશે…
ટિકિટ માટે સંપર્ક ૯૯૨૫૬૦૪૬૧૩, ૯૯૦૪૩૮૪૭૬૯

Share