મંદમંદ આ મહેક ઊઠી છે…

મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ,
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ.

અંધારું અંધારે બાંધી
અજવાળે અજવાળું,
ચાલ ખોલીએ કૂંચી લઈને
વાદળ નામે તાળું,
તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

જળ પર વ્હેતા લીસ્સા લીસ્સા
તરંગ વસ્ત્રો ખેંચી,
કયું કામ કોને કરવાનું
ચાલો લઈએ વ્હેંચી,
કૂણી કૂણી કમળ-પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ,
મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

- અનિલ ચાવડા

31 thoughts on “મંદમંદ આ મહેક ઊઠી છે…

 1. સુંદર ગીત.
  માનવીય લાગણીઓ કોમળ, સુચારુ અને પ્રાકૃતિક અવગુંઠને કવિતા બને છે એની અહીં મઝા છે.

 2. Majanu laybaddha prakruti geet..!! aa vishesh gamyu….
  વાદળ નામે તાળું,
  તાળું ખોલી ધીમું બોલી ઝરમર ઝરમર થઈએ,

 3. મંદ મંદ મહેક સાથે વહેતું સુંદર મઝાનું ગીત !
  વાદળ નામે તાળું ખૂલે ને ઝરમર થઈએ…..વાહ !

 4. લાંબા ગાળા બાદ એક અર્વાચીન કવિની આટલી સરસ કવિતા વાંચવા મળી.
  મંદમંદ ગતિથી વહેતા સુંદર શબ્દો, લય, તાલ બધું જ મનભાવન છે.

 5. પ્રિય અનિલભાઈ
  ખૂબ સરસ ! ખૂબ સુંદર લાગણી ની અભિવ્યક્તિ !!
  કૂણી કૂણી કમળ-પાંદડી વચ્ચે ઘર ઘર થઈએ,
  મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ.

 6. વરસાદની મુલાયમતા જાણે શબ્દોમાં ઝરમરી… મજાનું ગીત ભીંજવતું પણ શ્રી અનિલભાઈ ..બે ચાર પંક્તિઓ વધુ ઉમેરોતો પૂરા ભીંજાઈ જવાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply