ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
– અનિલ ચાવડા
વાહ! બહુ સરસ.
સરયૂ પરીખ
આભાર સરયૂ બહેન
ઘણાં સમય પછી આપની સુંદર આભુષણ સાથે કવિતા પઠનમાં આવી,ગુઢાર્થના ગઢ સમી કવિતા બદલ આભાર સહ અભિનંદન
વિશ્વદીપ બારડ , હ્યુસ્ટ્ન, ટેક્ષાસ
આભાર વિશ્વદીપભાઈ
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા? …………………………..superb
આભાર
khub saras che saras che saras che kavi!!!
આભાર
ઇન્દ્રીય વ્યત્યયનો સરસ પ્રયોગ……નવા જ પ્રકારનો રદ્દીફ !
આભાર
સુંદર રચના અનિલભાઈ.
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;…..
અદભૂત ખુનારીનું આ ગીત ખૂબ ગમ્યું…
Aabhar sir
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે
વાહ, બહુ સરસ!
આભાર વલીભાઈ
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
વાહ વાહ શું સરસ ગુંથણી કરી છે?
આભાર પી.કે. દાવડા સાહેબ
અનિલભાઈ, સરસ કાવ્ય રચના છે. ગમી. અભિનંદન.
આભાર વિનોદભાઈ
Thanks,
Very good
મજાનું ગીત … એમાંય પહેલો અંતરો તો ક્યા બાત હૈ
Aabhar daxeshbhai
મજાની ગીતરચના… સ્પર્શોને કેમ કરી પહેરવા? વાહ !
આભાર વિવેકભાઈ
ખુબ સરસ. મજા આવી ગઈ.
આભાર
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
એકદમ દમદાર વાત અનિલ…
તને શુભેચ્છાઓ
– હ.બ્ર.
Dear Anilbhai,
I enjoyed your latest poem.Very artistically you have express feelings.
It is pleasure to enjoy “repeated words” ,it effects nicely,Abhinandan.
-Parimal Dalal
પ્રીય કવિ અને લેખક શ્રી
લાંબા સમયે પણ ખુબજ સુંદર રચના છે અને એમાંય “સ્પર્શોને કેમ કરી પહેરવા” સુંદર છે.
આમજ આપની સુંદર રચનાઓ મોકલી અમને નીકતટમ ગણવા માટે આભાર.
જગદીશ ચાવડા
કવિતા અનિલથી ઊડીને આવી, ગમી છે, ગમી છે, ગમી છે!
વિચારો વિવિધ આ લઈને આવી, ગમી છે, ગમી છે, ગમી છે!
‘ચમન’
આભાર સાહેબ
Good one. Enjoyed it.
સુંદર ગીત તમારું મનડાને અતિ ગમતું ,ગમતું છે ગમતું છે ગમતું છે
આયખાનું પંખી તો ડાળી પર ટહકાતું તો પણ છે તો પણ છે તો પણ છે
પ્રવિનાશ
હ્યુસ્ટન
આભાર પ્રવીણાબહેન, હ્યુસ્ટનમાં તમને મળી શક્યો હતો અને આપણે કવિતાની ઘણી બધી વાતો કરી શક્યા હતા તે મને બરોબર યાદ છે.