જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

Share

67 Thoughts on “જડ્યો જડ્યો હું જડ્યો…

 1. Naishadh Pandya on 22 September, 2014 at 2:55 pm said:

  Bahu Saras Anilbhai Kavya Gamyu

 2. વીંટીમાં જડેલા હીરાની જેમ કાવ્યમાં જડાયેલું ‘જડવું’ !!

  જાતની ઓળખ એ માનવીની કદાચ સૌથી મોટી ખોજ છે. પોતે કોણ છે તે શોધવાનો એનો અભરખો આજકાલનો નથી. આ શોધ ભાગ્યે જ પુરી થઈ શકે છે એ પણ એટલું જ કડવું સત્ય છે. પણ ક્યારેક કોઈને – કોઈકને જ – આ સદ્ભાગ્ય સાંપડી જાય ત્યારે તે પેલા વિજ્ઞાનીની જેમ “મળી ગયું, મળી ગયું” એમ કરતો પોતાના આનંદને વહેંચી દે છે.
  આ રચનામાં ‘જડ્યો’નાં ચચ્ચાર આવર્તનો એ જ બતાવે છે કે સર્જકને પોતાની જ થયેલી શોધનો હરખ કેટલો તીવ્ર છે ! આમાં ‘છેવટે’ શબ્દ માનવીની શોધનો લાં….બો ઈતીહાસ સુચવી જાય છે !! મહામહેનતે ને લાંબાગાળાના અથાક પ્રયત્નો એક જ શબ્દ ‘છેવટે’માં છુપાઈને બેઠા જણાશે.
  પણ આ જડવા જેવી અત્યંત મહત્ત્વની બાબતનો યશ સર્જક એક કાવ્યમય ક્ષણને આપી દીયે છે ! ધરતીને કીરણનો ધન્ય સ્પર્શ થાય તેવા જ પ્રકારના કોઈ સ્પર્શે કરીને આ અવર્ણનીય બનાવ બન્યાની નોંધ સર્જકે ધ્રુવપંક્તીને ટેકો આપતી બીજી જ પંક્તીમાં કરી દીધી છે. જોકે જડવાનો યશ એમણે અન્ય કંડીકાઓને અંતે આવતી અંતીમ પંક્તોમાં અન્યોનેય આપ્યો જ છે પણ ધ્રુવપંક્તી સાથે જોડાયલી પંક્તીનું વીશેષ માહાત્મ્ય હોય છે.
  જોકે મને જે સવાલ થયો તેમાં સર્જકે પોતે કોઈને અડકવાની વાત કરી છે તેના કરતાં કોઈના અડકવાને કાવ્યભાવ અર્પણ કર્યો હોત તો ઓર મજા આવત ! કોઈનું પોતાને અડકવું તે પોતેનું કોઈને અડકવા જેટલું કાવ્યમય હોતું નથી ! ઈશ્વરનો સ્પર્શ થાય અને આપણો સ્પર્શ ઈશ્વરને થાય તો તે બન્નેમાંય મજા તો પહેલા ક્રમમાં જ હોવાની ને ?!
  રજકણ એની સીમા ઓળંગી શકતું નથી કારણ કે તેનું રજકણરુપ મર્યાદીત શક્તી દર્શાવે છે. ધુળ અને ઢેફાની જેમ તે કોઈ સમુહનો ભાગ બન્યો નથી એવી ચોખવટ પહેલાં જ કરી દઈને સર્જકે આ મર્યાદાને છતી કરી દીધી છે. પણ એ જ રજકણનો પીંડ બંધાઈ ગયાનો કોઈ ગેબી ચમત્કાર બતાવીને રજકણને એમણે સંસારના વ્યવહારોમાં ચડી ગયેલું બતાવ્યું છે. હવે આ કંડીકામાં જેને યશ અપાયો છે તે સંસારના વ્યવહારોને જડવાનું ‘કારણ’ બનાવાયા છે. ચાકડે ચડવાથી કે ચડ્યા પછી પોતાને પોતે જડે છે તે વાત જરા જુદી કક્ષાની છતાં સહજ છે; કારણ કે ભક્તીયોગ કે જ્ઞાનયોગની જેમ જ કર્મયોગ પણ પોતાને શોધવામાં કારણરુપ બની શકે છે. જોકે પોતાની શોધ જેટલી ભક્તીમાર્ગે કે જ્ઞાનમાર્ગે થાય તેટલી કર્મમાર્ગે થવી સહજ નથી. આ કડીમાં રજકણનું પીંડરુપ થવું તેને બે રીતે જોઈ શકાય; રજશુક્રના કણનો ધીમે પણ મક્કમ ગતીએ માનવપીંડ બને છે તે અને જીવનું શીવરુપ થવું તે ! આ કાવ્યમાં રજકણનું પીંડમાં થતું રુપાંતરણ આ રીતે પણ સમજાવી શકાય ખરું.
  બીજી કંડીકામાં ‘તમારું’ એટલે કે કોઈનું મળવું પેલા અડકવાની વાત કરતાં વધુ કાવ્યમય રીતે મુકાયું છે ! સવારના સમયે કોઈનું સવારની જેવું કોમળકોમળ મળવાનું એ પોતે જ કવીતા છે ! હવે આવા હૃદયંગમ બનાવની અસરો કાંઈ જેવીતેવી તો હોય જ શાની ?! એટલે છાતીમાં (આ આખું કાવ્ય ભીતરની વાત લઈને જ આવ્યું છે એટલે છાતીમાં જ આવેલા હૃદયની ધક્ ધક્ ન સંભળાય તો જ નવાઈ !) રોક્યું ન રોકાય તેવું કુંપળનું ફુટી નીકળવું “બની બેસે” છે !! (કુંપળવું ક્રીયાપદ આ કામ બહુ કોમળતાથી પાર પાડે છે !)
  પણ અહીં પણ એક સવાલનો ફણગો ફુટ્યા વગર રહી શકતો નથી. કુંપળનું ફુટવું અને ઝાકળનું દડવું એ બન્ને બનાવો જડવાની ક્રીયાને બે ભાગમાં વહેંચી દે છે ! કુંપળના ફુટવાની વાતનું કોઈ સંધાન જડવાની વાત સાથે સહજ રીતે થયું જણાતું નથી. હા, પવન વગર પણ સાવ સહજ રીતે ઝાકળ દડી જાય તેમ પોતે પોતાને જડી જાય તે વાત સાવ સહજ અને તર્કબદ્ધ છે ખરી. સવાર જેવું મળવાની વાત અને તે જ કારણે કુંપળના ફુટવાની વાતમાં જે સાંધો છે તેવો સાંધો કુંપળ અને ઝાકળ વચ્ચે સાંધી શકાયો નથી કે શું ?
  ગમે તેમ પણ વાચકોને તો એક મજાનું કાવ્ય જડી જ ગયું છે ! શરીરને શરીરીનું મળવું અને કવીને કાવ્યનું મળવું જો મધુર અનુભવ આપનારું હોય તો વાચકને આમ એકાએક મજાની રચનાનું મળી જવું પણ ઓછું આનંદીત કરનારું ન જ હોય ને !!
  – જુગલકીશોર.

  • પ્રિય જુગલકિશોરભાઈ
   મજામાં હશો,

   આપે મારી કવિતાને આટલી વિગતવાર મૂલવી આપી અને આપનો આવો લાંબી સ-વિસ્તાર પ્રત્યુત્તર આપ્યો તે બદલ આપનો દિલથી આભારી છું.
   તમારા દર્શનમાં કવિતા પ્રત્યેની તમારી પોતિકી સુઝ અને સમજને બખૂબી આપે મૂકી આપી છે.
   આપના આવા પ્રતિભાવો મળતા રહેશે તેવી અપેક્ષા રહે જ તે સ્વાભાવિક છે.

  • આ લખાણને હું વેબગુર્જરી પરના મારા વીભાગ રસદર્શનમાં મુકાવીશ. પ્રગટ થશે ત્યારે જાણ કરીશ.

   સાનંદ, – જુ.

  • હા જરૃર,
   આભાર જુગલકિશોરભાઈ

 3. Vah khub sars git song good exlent
  Sir I like your webstine never miss any article
  ibps exam Result

  Thank you

Comment navigation

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post Navigation